સુરતમાં ભાવિકા લેડી ડોને રોફ જમાવ્યો, પોલીસે એવો પાવર બતાવ્યો કે મિંદડી થઈ ગઈ

સુરતમાં ભાવિકા લેડી ડોને રોફ જમાવ્યો, પોલીસે એવો પાવર બતાવ્યો કે મિંદડી થઈ ગઈ

ભૂરી ડોન સુરતમાં પોતાની ગુંડાગર્દી માટે જાણીતી છે. ત્યારે હવે બીજી લેડી ડોન ભાવિકા સામે આવી છે. ભાવિકા દ્વારા ચપ્પુ લઈને જાહેર રોડ પર મારામારી કરતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસ અને તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.

સુરતના કપોદ્રા પોલીસ મથકની હદમાં એક યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી જાહેરમાં ચપ્પુ જેવા હથીયાર સાથે રોફ જમાવતી હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયો વાઇરલ થતા કાપોદ્રા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે ભાવના ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળાની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં આ વીડિયો કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કૂલના ગેટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં દેખાતી યુવતી ભાવના ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું. જેથી કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરિત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કટાર જેવું ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર સ્થળ ઉપર વાહન ચાલકોને હેરાન કરવામાં આવતા હતા અને રોફ જમાવીને કોઈને પણ રોકીને તેને ધમકી આપતા હતા. રસ્તે ચાલતા ચાલતા પણ હથિયાર બહાર કાઢીને લોકોને ધાક બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસ અને તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ ગત 26-11-2022ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયા હતા અને તે વખતે રોડ પર ફોરવ્હીલ ચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલા હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા, કાપોદ્રા, પુણા, ડુમ્મસ, અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.

એસીપી વીઆર પટેલેએ જાણાવ્યું હતું કે યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો અને આ મામલે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે. આરોપીઓ દમણ ખાતે હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ છે તે અંગે દમણ પોલીસને જાણ કરવામાં આવી છે. વાઇરલ થયેલા વીડિયોમાં તપાસ શરૂ કરતાં બંને આરોપીને ઝડપી લીધા બાદ બંને આરોપી પૈકી સાગરિત પણ રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું હતું.

ભૂરી ડોન સુરતમાં પોતાની ગુંડાગર્દી માટે જાણીતી હતી. ભૂરી ડોન તલવાર લઈને મારામારી કરતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા. સ્થાનિકો પણ ભૂરીથી ત્રાસી ગયા હતા. પોલીસને સ્થાનિકો દ્વારા ભૂરી ડોન અને તેના સાગરિતો પર કાર્યવાહી કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. ભૂરી ડોનના જાહેરમાં મારામારી અને લુખ્ખાગીરી કરતા વીડિયો સામે આવ્યા હતા. તો ભૂરી ડોનના હાથમાં પિસ્તોલને હોય તેવા ફોટો પણ વાઇરલ થઈ ચુક્યા છે.

ઉના તાલુકાના ગાંગડા ગામની અસ્મિતા ગોહિલ નામની યુવતી સુરતમાં લેડી ડોન ભૂરીના નામથી ઓળખાય છે. તે અનેકવાર ગુંડાગીરીને લઈને ચર્ચામાં આવી ચુકી છે. તે લોકોને ડરાવતી હોય છે. ગામડાની સીધી સાદી છોકરી અસ્મિતા સુરતમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ ગઈ છે. તેના પિતા આજે પણ મજુરી કામ કરે છે. પરંતુ ભૂરી પોતાના ગુંડાગર્દીના કિસ્સાઓ માટે જાણીતી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *