અનોખો આઈડિયા:પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુલાકાતીઓને રાહ ચીંધવા આકાશમાં બલૂન ઊડતાં મુકાયાં
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, એના માટે 200 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખસ્વામીનગર ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરિયેશન સમાન છે. ત્યાં પ્રેરણા આપતી અનેક વાતો છે, જેનાથી રાહ ભટકી ગયેલા અથવા હતાશ થયેલા લોકોને રાહ ચીંધે છે.
જિંદગીમાં ભટકી ગયેલા લોકોને રાહ ચીંધવાની સાથોસાથ નગરમાં ભૂલા પડેલા ભક્તો કે મુલાકાતીઓ ભૂલા ના પડે એની પણ ખાસ કાળજી લેવામાં આવી છે. આના માટે જ નગરના કોઈપણ ખૂણામાં ઊભેલી વ્યક્તિને તેમને પ્રવેશદ્વાર સરળતાથી મળી જાય એ માટે દરેક પ્રવેશદ્વાર પર આકાશમાં પ્રવેશદ્વારના નંબર સાથેના બલૂન દોરી સાથે સંધાન જાળવી ઊડતાં મુકાયા છે. આકાશની સાથોસાથ જમીન પર પણ વ્યક્તિને પ્રવેશદ્વાર નંબર દર્શાવતાં બોર્ડ નિશાની સાથેનાં મૂકવામાં આવ્યાં છે.
પ્રમુખસ્વામી મહારાજનગરમાં બી.એ.પી.એસ. દ્વારા બેવડી ભૂમિકા ભજવાઈ રહી છે.
અમદાવાદના આંગણે સતત એક મહિના માટે યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી આમ તો 600 એકર જમીનમાં થઈ રહી છે. એમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગર ઊભું કરવામાં આવ્યું છે.
આમ તો નગરમાં પ્રવેશવાનાં સાત પ્રવેશદ્વાર છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર માત્ર વી.વી.આઈ.પી. ઓ માટે છે. જ્યારે ભાડજ તરફથી આવનારા હરિભક્તો તથા મુલાકાતીઓ માટે પ્રવેશદ્વાર નંબર 2, 3 અને 4 માંથી નગરમાં પ્રવેશવાનું રહે છે. જ્યારે ઓગણજ તરફથી આવતી વ્યક્તિઓ માટે 5, 6 અને 7 નંબરનાં પ્રવેશદ્વાર ઊભાં કરવામાં આવ્યાં છે.
વિશાળ ફલક પર યોજાયેલા આ મહોત્સવમાં જગ્યા પણ વિશાળ હોવાથી વ્યક્તિ કઈ જગ્યાએથી પ્રવેશી હતી એ ભૂલી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને આ પરિસ્થિતિ નિવારવા માટે મતલબ કે કોઈ ભૂલા ના પડે એ માટે તેમને રાહ ચીંધવા માટે આકાશમાં પ્રવેશદ્વારના નંબર દેખાડતા બલૂન દોરી સાથે સંધાન જાળવી ઊડતા મૂકવામાં આવ્યા છે.
આકાશની સાથે જમીન પર પણ પ્રવેશદ્વાર દર્શાવતાં બોર્ડ મૂકવામાં આવ્યાં છે.
આ બલૂન આકાશમાં દોરી સાથે સંધાન જાળવી ઊડતા મુકાયા હોવાથી સ્વાભાવિક રીતે જ વ્યક્તિનું ધ્યાન એના પર પડે, જેથી તેઓ કયા પ્રવેશદ્વારમાંથી પ્રવેશ કરી રહ્યા છે
એ પણ ધ્યાનમાં આવી જાય છે ત્યાર બાદ તે વ્યક્તિ નગરના કોઈપણ ખૂણામાં ઊભી હોય તોપણ તે આકાશમાં દોરી સાથે સંધાન જાળવી પ્રવેશદ્વાર નંબર સાથેના બલૂન ઊડતા મુકાયા હોવાથી એને પોતાનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે એનો ખ્યાલ આવી જાય છે. આમ, બીએપીએસ દ્વારા નગરના મુલાકાતીઓને અને ભક્તોને રાહ ચીંધવાની બેવડી ભૂમિકા અદા કરાઈ છે.