અદાણીના દમદાર શેરોમાં હજુ 15થી 20% ઉછાળાની શક્યતા, દેવેન ચોક્સીની આગાહી
Adani Group Shares: સુપ્રીમ કોર્ટની પેનલ દ્વારા અદાણી ગ્રૂપને ગંભીર આરોપોમાંથી ક્લીન ચિટ મળ્યા પછી અદાણીના સ્ટોક્સમાં 5 ટકાથી લઈને 19 ટકા સુધી ઉછાળો આવ્યો છે. આ તેજી હજુ પણ જારી રહેશે અને અદાણી ગ્રૂપની મજબૂત કંપનીઓના શેર અહીંથી 15થી 20 ટકા સુધી વધી શકે છે તેવું માર્કેટના એક્સપર્ટ દેવેન ચોક્સી (Deven Choksey)નું માનવું છે. કે આર ચોક્સી હોલ્ડિંગના એમડી દેવેન ચોક્સીએ એક મુલાકાતમાં જણાવ્યું કે અદાણી ગ્રૂપ વિશે સેબીની ઈન્કવાયરીનું પરિણામ આવી જાય ત્યાર પછી રોકાણકારો વધુ કોન્ફીડન્ટ બનીને અદાણીના સ્ટોક્સ ખરીદશે. અદાણી ગ્રૂપના શેરોના ફંડામેન્ટલ્સમાં કોઈ ફેરફાર થયો નથી તેથી અમે તેની હાલની વેલ્યૂ માટે ભરોસો ધરાવીએ છીએ. અત્યારની વેલ્યૂ પર પણ અદાણીના અમુક શેરોમાં 15થી 20 ટકા વધારો થઈ શકે છે.
જોકે, તેઓ કહે છે કે અદાણીના સ્ટોક્સ માટે અમુક પ્રમાણમાં સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે કોઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર અથવા સ્થાનિક મોટા રોકાણકારોમાંથી કોઈ અદાણીના સ્ટોક્સ ખરીદતું નથી.
તેઓ કહે છે કે બજારની હંમેશાથી એવી નીતિ રહી છે કે જ્યારે કોઈ કંપની વિશે નેગેટિવ સમાચાર ન આવે ત્યારે તેને પોઝિટિવ સમાચાર ગણવામાં આવે છે. અદાણીના શેરો માટે બિટા ઈફેક્ટ હંમેશા વધારે આવે છે. તેથી ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવામાં આવે તો બજારમાં અદાણીના શેર માટે ડિમાન્ડ છે. એફપીઆઈ કે બીજા મોટા ડોમેસ્ટિક રોકાણકારો દ્વારા આ શેરોમાં ખરીદી નથી થઈ રહી તે એકમાત્ર સાવચેતીનું કારણ છે.
મોટા ભાગની અદાણી ગ્રૂપની કંપનીઓ ફંડામેન્ટલી સારો દેખાવ કરી રહી છે અને તેના વેલ્યૂમાં પણ કરેક્શન આવ્યું છે. તેથી આગામી દિવસોમાં તેમાં નોર્મલ લેવલ જોવા મળી શકે છે તેમ દેવેન ચોક્સીએ જણાવ્યું હતું.
અદાણી ગ્રૂપની કઈ કંપની વધુ મજબૂત છે તે પૂછવામાં આવતા ચોક્સીએ કહ્યું કે અંબુજા સિમેન્ટ (Ambuja Cements) અને અદાણી પોર્ટ્સ (Adani Ports)ના શેરમાં વધારે સ્થિરતા અને આવકની વિઝિબિલિટી છે. અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises)ને હજુ વધારે કેપિટલની જરૂર છે. જેથી કરીને તે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પાર પાડી શકે. પરંતુ પોર્ટ અને અંબુજા સિમેન્ટ મજબૂત શેરો છે તે વાતમાં કોઈ શંકા નથી. આમ છતાં હજુ આપણે સેબીની ઈન્કવાયરીનું પરિણામ આવે તેની રાહ જોવી જોઈએ તેમ દેવેન ચોક્સી કહે છે.
સિમેન્સના શેર (Siemens Share)માં 10 ટકા કરેક્શન પછી તેના વિશે શું માનો છો?
સિમેન્સમાં 10 ટકાનું મોટું કરેક્શન આવ્યા પછી આ શેર ખરીદવા માટે આ એક તક છે. કંપનીની વેલ્યૂએશન ઘણી વધી ગઈ હતી જેના કારણે આ કરેક્શન અનિવાર્ય હતું. જે રોકાણકારો આ શેર ખરીદવાની તક ચુકી ગયા હોય તેમના માટે આ એક સારો મોકો છે.