અદાણીને ક્લીન ચિટ મળતા જ શેરોમાં 18 ટકા સુધી ઉછાળો, માર્કેટ કેપ 10 લાખ કરોડને પાર
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ના શેરોમાં આજે જોરદાર તેજી જોવા મળી છે જેમાં અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises)નો શેર 18 ટકા કરતા પણ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપને ક્લીન ચિટ આપ્યા પછી બજારમાં અદાણી માટે પોઝિટિવ વાતાવરણ છે અને તેના સ્ટોક્સમાં ખરીદી વધવાના કારણે માર્કેટ કેપિટલ 10 લાખ કરોડને પાર કરી ગઈ છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ દ્વારા અદાણી સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી પેનલને આ આરોપોમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. કંપનીએ તેના શેરના ભાવમાં ચેડા કર્યાની કોઈ વાત બહાર આવી ન હોવાના કારણે બજારમાં અદાણીના સ્ટોક્સમાં ખરીદી વધી છે.
નિફ્ટી 50માં લિસ્ટેડ અદાણી ગ્રૂપનો મુખ્ય શેર અદાણી એન્ટરપ્રાઈઝિસ 18 ટકા વધીને રૂ. 2309 પર ચાલતો હતો. આ સ્ટોક આજે વધીને 2319 સુધી જઈ આવ્યો છે. જ્યારે ખાદ્ય તેલ અને એફએમસીજી કંપની અદાણી વિલ્મર (Adani Wilmar)નો શેર 9 ટકા વધીને 444 પર પહોંચી ગયો હતો. અદાણી ગ્રૂપના બીજા આઠ શેરોમાં પણ ભરપૂર તેજી જોવા મળી છે. તેમાં અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, એસીસી, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ અને NDTVના શેરોમાં ઓછામાં ઓછા 5 ટકા વધારો થયો હતો.
આ લખાય છે ત્યારે અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)નો શેર 5 ટકાની અપર સર્કિટ સાથે 722 પર ચાલતો હતો જ્યારે અદાણી ટ્રાન્સમિશન 5 ટકા વધીને 826 પર, અદાણી ગ્રીન એનર્જી પાંચ ટકા વધીને 941 અને અદાણી એન્ટરપ્રાઈઝિસ 18 ટકાથી વધારે વધીને 2313ના ભાવે ચાલતો હતો.
આજે અદાણી ગ્રૂપના શેરોમાં અસાધારણ ઉછાળો આવ્યો તેના કારણે ગ્રૂપની કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂ 10 લાખ કરોડને પાર કરી ગઈ છે. એક્સપર્ટ માને છે કે સુપ્રીમ કોર્ટની પેનલને અદાણી વિરુદ્ધના આરોપોમાં કંઈ મળ્યું નથી. આ ઉપરાંત સેબીની તપાસમાં પણ કોઈ વાત બહાર નથી. આવી કંપની તેની નોન-કોર એસેટને મોનેટાઈઝ કરી રહી છે જેના કારણે રોકાણકારોના કોન્ફીડન્સમાં વધારો થયો છે. જોકે, આજે અદાણીના શેરોમાં તીવ્ર વધારો થવા છતાં આ સ્ટોક્સ હજુ પણ હાઈ-રિસ્કની કેટેગરીમાં આવે છે અને તેમાં વોલેટિલિટીનું પ્રમાણ ઘણું ઉંચું રહેવાની શક્યતા છે.
જોકે, અદાણી કેસમાં છ સભ્યોની પેનલે જણાવ્યું છે કે હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો તે અગાઉ જ અદાણી ગ્રૂપના શેરોમાં શોર્ટ પોઝિશન બિલ્ડ-અપ થઈ હોવાના પૂરાવા હતા. ત્યાર પછી રિપોર્ટ જાહેર થયો અને શેર ઘટ્યા તેમાં પોઝિશન સ્કવેર ઓફ કરીને નફાખોરી કરવામાં આવી હતી.