આ ગુજરાતીએ ક્યારેક ઝૂંપડામાં વિતાવ્યા છે દિવસો, આજે પીએમ મોદી માટે કુર્તા સીવે છે!
તમે એ પરિસ્થિતિની કલ્પના કરી જુઓ, જ્યાં ઘરનો તમામ ખર્ચો ઉપાડનાર સભ્ય, પિતાજી અચાનક જ સન્યાસી બનવાનો નિર્ણય લઇ લે અને નાના-નાના બાળકો અને પત્નીને બેસહારા છોડી દે. કંઇક આવી જ અજીબ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને બે ભાઈઓ, જીતેન્દ્ર ચૌહાણ તેમજ બીપીન ચૌહાણ ન માત્ર પોતાના પરિવારનો સહારો બન્યા પરંતુ પોતાના પેઢીગત ધંધામાં એટલી સફળતા હાંસલ કરી કે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કપડાં બનાવે છે અને સાથે જ 250 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક પણ છે!
નાની ઉંમરમાં જ જે બાળકોના માથેથી પિતાનો હાથ હટી જાય, તે કાં તો પૂરી રીતે બરબાદ થઇ જાય અથવા તો પછી આબાદ. જેમાં બરબાદ થનારા લોકોની સંખ્યા વધારે હોય છે અને જે લોકો આબાદ થઇ જાય છે તે ઉદાહરણ બની જાય છે. આ જ ઉદાહરણોમાંના એક છે ચૌહાણ બ્રધર્સ, એટલે કે ‘જીતેન્દ્ર ચૌહાણ’ અને ‘બીપીન ચૌહાણ’. નાની ઉંમરમાં જ આ બંને ભાઈઓએ, પિતાજીના ઘર છોડ્યા બાદ પરિવારને ટેલરિંગ કરીને સાંભળ્યું અને આજે તેઓ ‘Jadeblue’ જેવી મોટી અને જાણીતી કંપનીના માલિક છે, જેનું ટર્નઓવર કરોડોમાં છે. સાથે જ આ બંને ભાઈઓની ઓળખ ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુર્તા સીવતા લોકોના રૂપે પણ છે.
જીતેન્દ્ર ચૌહાણ અને બીપીન ચૌહાણ જેડબ્લ્યૂ મેન્સવેર સ્ટોરના માલિક છે. તેમની કંપની દેશના જાણીતાં લોકો માટે કપડાં બનાવે છે. તેમણે વર્ધ 1981માં પોતાની કંપની સ્થાપી હતી. આજે તેઓ દેશના શક્તિશાળી નેતાઓ, જેમ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ગુજરાત કોંગ્રેસના નેતા અહમદ પટેલ, જાણીતાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમજ કરસનભાઈ પટેલ જેવા લોકો માટે કપડાં બનાવવાની સાથે જ પોતાના સપના સાકાર કરી રહ્યાં છે. તેમની કંપની આખા દેશમાં લગભગ 1200 લોકો કામ કરી રહ્યાં છે. આજે તેઓ ધંધાર્થે દેશ-વિદેશનો પ્રવાસ પણ કરે છે.
બંને ભાઈઓ જ્યારે નાના હતાં ત્યારે પોતાના પરિવાર સાથે અમદાવાદની એક ચાલીમાં રહેતા. તેમનું પૈતૃક કામ ટેલરીંગનું હતું. બીપીન અને જીતેન્દ્ર ટેલરીંગનું કામ કરતી છઠ્ઠી પેઢી છે. મૂળ રૂપે અમદાવાદથી 100 કિલોમીટર દૂર લીમડીથી સંબધ ધરાવ્યા બીપીનભાઈ ત્યારે માત્ર 4 વર્ષના હતાં જ્યારે તેમના પિતા ચીમનલાલ ચૌહાણે 1966માં ઘર છોડી સન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો.
ચૌહાણ બ્રધર્સના પિતાને ટેલરિંગમાં જાણે કે મહારથ હાંસલ હતું. તેમણે એ જમાનામાં મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં દુકાનો ખોલી, પરંતુ ક્યાંય પણ 3-4 વર્ષથી વધુ સમય ના ટકી શક્યા. બીપીનભાઈ કહે છે કે તેમના પિતા ઘણાં ધાર્મિક વૃત્તિના હતાં. હંમેશા પૂજા-પાઠ અને ધર્મ-કર્મમાં લીન રહેતા. તે સિવાય, સમાજની ભલાઈ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહેતા. એટલે સુધી કે જો કોઈ એવું મળી જાય કે જેમની પાસે પહેરવાના કપડાં ન હોય તો તેઓ પોતાનું શર્ટ ઉતારીને પણ આપી દેતા. જ્યારે તેમણે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની દુકાન અમદાવાદના સાબરમતી આશ્રમ પાસે હતી. તેમની દુકાનનું નામ ‘ચૌહાણ ટેલર્સ’ હતું. તેમના પિતા એ દુકાનને લઈને ઘણાં ઉત્સાહિત હતાં કે શહેરના સિનેમાઘરોમાં દુકાનની જાહેરાત ચાલતી. તેનાથી અંદાજો આવી શકે કે જ્યાં સુધી તેમના પિતા તેમના પરિવાર સાથે હતાં ત્યાં સુધી પરિવારનું સારી રીતે ગુજરાન ચાલતું અને ઘણી સન્માનજનક જીવન જીવતાં. પરંતુ પિતાએ સન્યાસ લીધા બાદ હાલત ગંભીર બની અને એક વર્ષની અંદર તો પરિવારે અમદાવાદમાં રહેતા નાના-નાનીના ઘરે આવી જવું પડ્યું. અહીં બીપીનભાઈના નાના અને મામાની ‘મકવાણા બ્રધર્સ’ નામની ટેલરિંગ શોપ હતી.
મામા અને નાનાની ‘મકવાણા બ્રધર્સ’ નામની આ દુકાન ઘણી જ પ્રસિદ્ધ હતી. એટલે સુધી કે તેમની દુકાનમાં દરરોજના આશરે 100 કુર્તા સીવવામાં આવતા. જીતેન્દ્રભાઈ અને બીપીનભાઈ, મોટા ભાઈ દિનેશભાઈની દુકાનમાં ટેલરીંગનું કામ કરતા. બંને ભાઈઓ સ્કૂલે જતાં અને ત્યાંથી આવીને ટેલરિંગના કામ કરતા. પિતાની કમી ના વર્તાય તે માટે તેમની માતા કઠોર પરિશ્રમ કરતા અને સવારે 6 વાગ્યે ઉઠીને, મોડી રાત સુધી કામ કરતા. તેઓ કપડાંમાં બટન લગાવવાનું કામ કરતા. બીપીનભાઈ અને તેમના બે ભાઈ અને બે બહેનો શહેરના મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતાં. બીપીનભાઈના ભાઈઓ અને બહેનોને ભણાવવાનો સંપૂર્ણ શ્રેય તેમના મામાને જાય છે, જેમણે તમામને કોલેજ મોકલ્યા. બીપીનભાઈએ સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું.
મોટા ભાઈ દિનેશ ચૈહાણ જ્યારે ૨૨ વર્ષના હતાં ત્યારે તેમણે 1975માં પોતાના મામાને સપોર્ટ કરવા પોતાની અલગ દુકાન ખોલી. એ દુકાનનું નામ ‘દિનેશ ટેલર્સ’ હતું. બીપીન ત્યારે માત્ર 15 વર્ષના હતાં અને સ્કૂલ જતાં. જીતેન્દ્ર 19 વર્ષના હતાં અને કોલેજમાં ભણી રહ્યાં હતાં. જોકે નવરાશના સમયમાં સમય કાઢીને ભાઈની દુકાનમાં કામ કરતા.
જીતેન્દ્ર દરરોજ 14થી 15 કલાક કામ કરતા અને દરરોજ 16 શર્ટ સીવીને તૈયાર કરી દેતા હતાં અને કોઈ પણ સંજોગોમાં તે સહેલું નથી. આ લક્ષ્યને હાંસલ કરવા તેમણે ઘણી મહેનત કરવી પડતી. પોતાનું ભણતર પૂરું કર્યા બાદ બંને ભાઈઓએ નોકરી કરવાની જગ્યાએ પોતાનો પેઢીગત ધંધો કરવાનો નિર્ણય કર્યો. અને વર્ષ 1981માં સુપ્રમો ક્લોથિંગ એન્ડ મેન્સવેર નામથી અમદાવાદમાં ટેલરીંગ દુકાન ખોલી. તેમણે આ દુકાન માટે બેંકથી 1.50 લાખની લોન લીધી અને જૂના અમદાવાદના એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 250 સ્ક્વયેર ફૂટની દુકાન ખોલી. એક બાજુ જ્યાં બીપીન ક્રિએટિવ વ્યક્તિ તો બીજી બાજુ જીતેન્દ્ર લાંબા ગાળાનું વિચારી આગળ વધતા. સુપ્રીમો ક્લોથિંગ બંને ભાઈઓ માટે લોન્ચિંગ પેડ સાબિત થયું અને તેમણે પોતાની સ્ટ્રેન્થ વધારવાની શરૂઆત કરી.
જીતેન્દ્રે વિચાર્યું કે કપડાં સીવવા તો શહેરમાં ઘણાં ટેલર્સ છે, પણ જો પ્રભાવશાળી વ્યક્તિઓ માટે કપડાં તૈયાર કરીએ તો બિઝનેસ સારી રીતે આગળ વધી શકશે. તેમણે એ સમયે જ પ્રાઈમ મિનિસ્ટરના કપડાં સીવવાનું સપનું જોયું. એ સમયે તેમને આવા ગ્રાહકો વિશે કોઈ અંદાજો ન હતો. તે સમયે નરેન્દ્ર મોદી એક RSS પ્રચારક હતાં અને તેમની દુકાનથી જ પોલી ફેબ્રિકના કપડાં સીવડાવતા. ત્યારે આ બંને ભાઈઓને અંદાજો પણ ન હતો કે એક દિવસ આ જ વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી બની જશે.
જાણીતી વ્યક્તિઓના કપડાં સીવવાના કારણે તેમની દુકાન જાણીતી થવા લાગી અને ધીરે ધીરે શહેરના જાણીતાં લોકો તેમની દુકાનેથી કપડાં સીવડાવવા લાગ્યા. 1995માં અમદાવાદના સીજી રોડ પર 2800 સ્ક્વયેર ફીટની જગ્યામાં કમર્શિયલ સેન્ટર ખોલી દીધું. આ દુકાનનું નામ રાખ્યું જેડ બ્લ્યૂ. એમનો ધંધો એવો જામતો ગયો કે આજે દેશભરમાં 51થી વધુ રીટેઈલ સ્ટોર્સ છે.