કાઠીયાવાડનું એક એવું ગામડું જ્યાં મસ્જિદ અને ખોડિયાર માતાનું મંદિર એકસાથે જોવા મળે છે, દરેક લોકો રહે છે સંપથી…
કાઠીયાવાડનું એક એવું ગામ જ્યાં દરગાહ અને તેની બાજુમાં જ ખોડિયાર માતાનું મંદિર..
રાજુલાના પ્રતિક સમા દરગાહ અને મંદિર-
દરિયાકાંઠે આવેલા રાજુલા શહેરમાં તમે પ્રવેશ કરો તે સાથે જ એક દરગાહ તમારી નજરે પડ્યા વગર નહીં રહે. આ દરગાહને અડીને જ એક મંદિર પણ બનેલું છે. આ મંદિર ખોડિયાર માતાનું છે. પિરિયા ટેકરી પર આવેલી તજાનશાહ પીરની દરગાહ અને તેની બાજુમાં જ આવેલું ખોડિયાર માતાનું મંદિર એ બે કોમી સૌહાર્દની સાક્ષી પૂરે છે.
2002ના રમખાણ બાદ મંદિર બનાવાયુ-
આ એવી દરગાહ છે જ્યાં હિંદુઓ પણ પ્રાર્થના કરવા માટે જાય છે. ત્યારે બીજી તરફ ખોડિયાર માતાના મંદિરે મુસ્લિમો સત્યનારાયણની કથામાં ભાગ લેવા આવે છે. તજાનશાહ પીરની દરગાહનો ઈતિહાસ ખાસ જાણવા જેવો છે.
માન્યતા અનુસાર 700 વર્ષ પહેલા તજાનશાહે રાજુલાને કોમી રમખાણોમાંથી બચાવ્યું હતું. અહીં દરગાહ તો ઘણા વર્ષોથી છે, પરંતુ 2002ના રમખાણો બાદ રાજુલા કોમી એકતા કમિટિ દ્વારા તેની બાજુમાં જ ખોડિયાર માતાનુ મંદિર બનાવવાનું નક્કી થયું હતું.
રાજુલામાં દર વર્ષે તાજિયા અને ઉર્સની સાથે-સાથે સત્યનારાયણ મહાપૂજા પણ યોજાય છે. ખોડિયાર માતાનું મંદિર તેમજ દરગાર 365 દિવસ 24*7 કલાક ખૂલ્લા રહે છે. રમઝાન ઈદે તો હિંદુઓ મુસ્લિમોને નમાજ પછી આવકારે છે, અને દરગાહમાં ચાદર પણ ચઢાવે છે. તો, મુસ્લિમો પણ અષાઢી બીજની હિંદુઓ સાથે મળીને રંગેચંગે ઉજવણી કરે છે.
2002ના રમખાણની રાજુલાને કોઈ અસર નહોતી થઈ-
રાજુલા કોમી એકતા કમિટિના સ્થાપક નુરુભાઈ વોરાના જણાવ્યા અનુસાર, 2002માં જ્યારે આખું ગુજરાત કોમી રમખાણોની આગમાં ભડકે બળી રહ્યું હતું, ત્યારે રાજુલાને તેની અસર ન થાય તેનું અમે પૂરું ધ્યાન રાખ્યું હતું. તે પછી જ અમે દરગાહની બાજુમાં ખોડિયાર માનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો, અને ટેકરીની ઉપર સુધી જવા રસ્તો પણ સરખો કરાવ્યો.