ભાજપના કોર્પોરેટરે 1.80 લાખમાં ચોરીનું બાળક ખરીદ્યું:મથુરા સ્ટેશન પરથી માતાની બાજુમાંથી બાળકની ચોરી, ડોક્ટર દંપતી ગેંગ ચલાવતું હતું
મથુરા રેલવે સ્ટેશનથી ચોરી થયેલું 7 મહિનાનું બાળક ફિરોઝાબાદમાં ભાજપની મહિલા કોર્પોરેટરના ઘરેથી મળ્યું છે. કોર્પોરેટરે 1.80 લાખ રૂપિયામાં આ બાળકને એક નર્સ પાસેથી ખરીદ્યું હતું. મથુરા રેલવે પોલીસે આ કેસમાં ડોક્ટર દંપતી સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
ગેંગના 6 સભ્ય બાળકોને ચોરીને નિ:સંતાન દંપતીઓને વેચતા હતા. આમાં બે લોકો એવા છે, જેમણે બાળક ખરીદ્યું છે, એટલે કે મહિલા કોર્પોરેટર અને તેનો પતિ. આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ કરી દીધી છે.
આ કેસનો પોલીસે કર્યો ઘટસ્ફોટ
મથુરા રેલવે સ્ટેશન પરથી 24 ઓગસ્ટના રોજ 7 મહિનાના બાળકની ચોરી થઈ. એ પ્લેટફોર્મ પર માતાની બાજુમાં ઊંઘી રહ્યું હતું. વહેલી સવારે 4.20 વાગ્યે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરીને આવેલા યુવકે થોડીવાર આમતેમ આંટાફેરા કર્યા.
ત્યાર બાદ માતાને હાથથી હલાવીને ચેક કરી. માતા ઊંઘી રહી છે એનો વિશ્વાસ થઈ જતાં ત્યાંથી બાળકને લઈને ચૂપચાપ નીકળી ગયો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
પોલીસે 200 CCTV ચેક કર્યા, 800 કિમીનો પ્રવાસ કર્યો
રેલવે પોલીસે છ દિવસમાં 200 CCTV ચેક કર્યા. એના ફૂટેજના આધારે 800 કિમીનો પ્રવાસ કર્યો. ઘણી જગ્યાએ રેડ કરી. આ દરમિયાન પોલીસને જાણ થઈ કે હાથરસના નવલનગરમાં બાંકે બિહારી હોસ્પિટલ છે. ત્યાં એક ડોક્ટર દંપતી બાળકોને વેચવાનું કામ કરે છે. પોલીસે ડો. પ્રેમ બિહારી અને તેની પત્ની ડો. દયાવતીની ધરપકડ કરી છે.
કડક પૂછપરછ બાદ દંપતી ભાંગી પડ્યું
રેલવે પોલીસે કડક પૂછપરછ કરતાં ડોક્ટર દંપતી ભાંગી પડ્યું હતું અને બાળકોની ચોરીને કબૂલાત કરી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકોની ચોરી માટે એક ગેંગ છે, જેઓ બાળકોની ચોરી કરે છે. ગેંગના બાકીના લોકો નિ:સંતાન દંપતી અને બાળકોને લેવાની ઈચ્છા ધરાવતા લોકોને શોધે છે. આ લોકો પાસેથી મોટી રકમ લઈને બાળકોને વેચી નાખે છે.
ખાસ કરીને અનાથ બાળકોની ચોરી કરીને વેચવામાં આવે છે. જો અનાથ બાળકો ન મળે તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી ગરીબ બાળકોની ચોરી કરવામાં આવે છે.
મહિલા કોર્પોરેટરે બાળક માટે સંપર્ક કર્યો હતો
તપાસમાં જાણવા મળ્યું કે ફિરોઝાબાદમાં ભાજપનાં કોર્પોરેટર વિનીતા અગ્રવાલ અને તેના પતિ પૂર્વ સભાસદ કૃષ્ણ મુરારિ અગ્રવાલે બાળક માટે આ ડોક્ટર દંપતીનો સંપર્ક કર્યો હતો. સ્ટેશન પરથી ચોરેલું બાળક વિનીતા અગ્રવાલ પાસે પહોંચી ગયું. રવિવારે તપાસ કરતી કરતી પોલીસ વિનીતાના ઘર સુધી પહોંચી ગઈ હતી, જ્યાંથી બાળક મળી આવ્યું હતું.
શરૂઆતની પૂછપરછમાં દંપતીએ જણાવ્યું હતું કે તેમને કોઈ પુત્ર નહોતો. નર્સ મારફત તેમણે બાળકને ખરીદ્યું છે. તેમને જાણ ન હતી કે બાળક ચોરીનું છે. તપાસમાં જાણવા મળ્યુ હતું કે દંપતીએ રૂ. 1.80 લાખમાં બાળકને ખરીદ્યું હતું.
ડોક્ટર દંપતી સહિત 8ની ધરપકડ
રેલવે પોલીસે ડો. પ્રેમ બિહારી, તેની પત્ની ડો. દયામતી, બાળક ચોરનાર દીપ કુમાર શર્મા, પૂનમ, મંજિત સિંહ, વિમલેશ ઉપરાંત કૃષ્ણ મુરારિ અગ્રવાલ અને તેની પત્ની વિનીતા અગ્રવાલની ધરપકડ કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અત્યારસુધીમાં કેટલાં બાળકોની ચોરી કરી છે.
આરોગ્ય વિભાગે હોસ્પિલટ સીલ કરી
ડોક્ટર દંપતીની આ હરકતને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે અને હોસ્પિટલને સીલ કરી દીધી છે.