ફોઈએ પ્રસરાવી માનવતાની મહેક / ફોઈની કિડનીથી 28 વર્ષના ભત્રીજાને મળ્યું જીવતદાન
- મહેસાણા જિલ્લાની અત્યંત પ્રેરણાદાયી ઘટના
- ONGC કર્મીઓએ રૂ.2.36 લાખ સારવાર સહાય આપી
- ધીણોજના યુવાનની વહારે લક્ષ્મીપુરાનાં ફોઈ આવ્યાં
પોતાના 28 વર્ષના ભત્રીજાની બન્ને કિડની ફેઈલ જતાં 28 વર્ષના આ યુવાનને જીવતદાન આપવા ફોઈ મેદાનમાં આવ્યાં હતાં. ધીણોજ ગામના પોતાના ભત્રીજાને લક્ષ્મીપુરા ખાતે રહેતાં ફોઈએ એક કિડનીનું દાન કર્યું હતું.
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફોઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ થતાં ધીણોજના યુવાનને જીવતદાન મળ્યું હતું. ઓએનજીસી જૂથ 15ના સેનાપતિ બળદેવભાઈ દેસાઈએ રૂ.2.36 લાખ એકઠા કરી સારવાર સહાય અર્પિત કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધીણોજ ગામના 28 વર્ષના ચૌધરી ચિરાગ શંકરભાઈની બન્ને કિડની નિષ્ફળ ગઈ હતી. પોતાના ભત્રીજાને કિડની આપવા માટે લક્ષ્મીપુરામાં રહેતાં ફોઈ કાન્તાબેન ચૌધરીએ તૈયારી દર્શાવી હતી.
ઝાયડસ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. જેના કારણે ભત્રીજાને જીવતદાન મળ્યું હતું. મધ્યમવર્ગના આ પરિવારને સારવાર સહાય આપવા ઓએનજીસીના સુરક્ષાકર્મીઓએ ફાળો એકત્રિત કર્યો હતો અને રૂ.2.36 લાખની રોકડ સહાય પરિવારજનોને ભેટમાં આપી હતી. આમ, ફોઈની કિડનીથી ભત્રીજાને જીવતદાન મળ્યું હતું.