ગોધરાકાંડ: 20 વર્ષ પહેલાની ગોઝારી ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો, એક જ ક્ષણમાં જાહોજલાલીમાંથી ભાડાના મકાનમાં આવી ગયાં, દરવાજા ખોલ્યા ત્યાં તો પરિવારની લાશો અને લોહીના ખાબોચીયા ભરાયેલા હતા

ગોધરાકાંડ: 20 વર્ષ પહેલાની ગોઝારી ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો, એક જ ક્ષણમાં જાહોજલાલીમાંથી ભાડાના મકાનમાં આવી ગયાં, દરવાજા ખોલ્યા ત્યાં તો પરિવારની લાશો અને લોહીના ખાબોચીયા ભરાયેલા હતા

27 ફેબ્રુઆરી 2002નો એ ગોઝારો દિવસ કોણ ભૂલી શકે? જ્યારે ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં 59 કારસેવકોને જીવતા ભૂંજી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના બાદ તેના આકરા પડઘા ગુજરાતમાં પડ્યા હતાં અને ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઘટનામાં જે લોકોના મોત થયા તેમની ઓળખાણ વિશે આજે પણ ખુબ જદ્દોજહેમત કરો ત્યારે ક્યાંક ખૂણે ખાચરેથી નામ મળી શકે છે.

ગોધરા કાંડની વરસી ઢૂંકડી છે ત્યારે આ ગોઝારી ઘટનાની ભયંકર યાદો ફરી તાજી થઈ રહી છે. ફેબ્રુઆરી 2002માં જ્યારે હજારો કારસેવકો શ્રી રામજન્મભૂમિ પર આયોજિત પૂર્ણહૂતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આખા દેશમાંથી ભેગા થયા હતા. ત્યારે ગુજરાતમાંથી ગયેલા શ્રદ્ધાળુઓ સેંકડો અન્ય યાત્રીઓ સાથે 25 ફેબ્રુઆરીએ અમદાવાદ પાછા ફરવા માટે નીકળ્યા હતા. બે દિવસ બાદ ટ્રેન 27 ફેબ્રુઆરીના રોજ સવારે 7.43 વાગે ગોધરા પહોંચી અને જેવી ટ્રેન સ્ટેશનથી રવાના થઈ કે કોઈએ સાકળ ખેંચી ટ્રેનને રોકી. ટ્રેન રોકાતા જ લગભગ બે હજારની ભીડ ભેગી થઈ. મુસ્લિમ ભીડે પથ્થરમારો કરીને રેલવેના ચાર ડબ્બામાં આગ લગાવી દીધી હતી જેના કારણે કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા અને મોતને ભેટ્યા. આ આગમાં 59 લોકો જીવતા ભડથું થઈ ગયા. જેમાંથી 20 જેટલા બાળકો હતા અને 27 મહિલાઓ હતી.

ગોધરા કાંડ પછી ગુજરાતમાં ચારેકોર સાંપ્રદાયિક તોફાનો પણ ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 1044 લોકો માર્યા ગયા હતા. રાજ્યની સ્થિતિ એટલી બગડી હતી કે ઘટનાના ત્રીજા દિવસે સેના ઉતારવાની ફરજ પડી હતી. ગોધરા કાંડની તપાસ માટે તે સમયે 6 માર્ચ 2002ના રોજ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ નાણાવટી-શાહ પંચની રચના પણ કરી હતી. હાઈકોર્ટના રિટાયર્ડ જજ કે જી શાહ અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જી ટી નાણાવટી તેના સભ્ય હતા. આ પંચે પોતાના રિપોર્ટનો પહેલો ભાગ સપ્ટેમ્બર 2008ના રોજ રજૂ કર્યો હતો.

જેમાં ગોધરામા ઘટેલી ઘટનાને જાણી જોઈને રચેલું ષડયંત્ર ગણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ પણ અપાઈ હતી. જો કે તે વખતે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગોઝારી ઘટનાનો ભોગ બનેલા લોકોની ઓળખ ક્યારેય સાર્વજનિક ન કરાઈ જેને લઈને અનેક સવાલ પણ ઉઠ્યા. ગોધરાકાંડની ઘટના ઘટી ત્યારે તે સમયે કેન્દ્રીય રેલવે મંત્રી નીતિશકુમાર હતા. જે હાલ બિહારના મુખ્યમંત્રી છે.

ગોધરાકાંડ માટે 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા. 2011માં SIT કોર્ટે કેસના 11 દોષિતોને ફાંસી અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ જો કે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ બધા વચ્ચે હજુ પણ આપણા માટે એ સવાલ તો ઊભો જ છે કે ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસમાં જીવતા ભૂંજાઈ જનારા તે 59 કારસેવકો આખરે કોણ હતા? અહીં અમે તમને જણાવીશું એ ગોઝારી ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા હતાં તેમાંથી કેટલાક મૃતકોના નામ….

અમદાવાદના ગુલબર્ગ સોસાયટીમાં એક સમયે જાહોજલાલી હતી. અહિયાં પૂર્વ સાંસદ સહિત રૂપિયાદાર લોકો રહેતા હતા. પોતાની શાખ અને સન્માનથી અહિયાં રહેતા લોકોના દૂર દૂર સુધી વખાણ થતા હતા.પણ 28 ફેબ્રુઆરી 2002ના રોજ કઇક એવું બન્યું કે, એક સમયે જ્યાં કિલ્લોલ થતા હતા ત્યાં આજે આગથી બળેલી દિવાલો છે. એ યાતનાની યાદોને આજ દિન સુધી સહન કરી રહેલા અને તે દિવસના રમખાણોમાં બચી ગયેલા લોકો પૈકી એક વ્યકિતએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીત કરી અને તેઓ કઇ રીતે એ દિવસે બચ્યા અને કઇ સ્થિતિમાં ક્યાંથી ક્યાં આવી ગયા તે અંગેની દાસ્તાન જણાવી છે.

‘હું તો બચી ગયો પણ ઘરના 10 લોકોના મોત થયાં’. આ વાત છે સઇદખાન પઠાણની, જે ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડના દિવસે ત્યાં જ હતા. તેઓ બચી ગયા પણ તેમના ઘરના 10 લોકોના મોત હિંસક હુમલામાં થયા હતા. આ હુમલામાં તેઓએ જણાવ્યું કે, બનાવના દિવસે સવારથી જ લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. મારુ ઘર પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરની બાજુનું જ હતું. અમે પરિવારના સભ્યો એક જ ઘરમાં રહેતા હતા. તે દિવસે સવારે 10 વાગે લોકોના ટોળા આવવા લાગ્યાં હતા. ધીમે ધીમે હિંસક ટોળુ સોસાયટીમાં ઘુસવા લાગ્યું હતું.

‘ટોળાના ડરથી અમે બધા જાફરી સાહેબના ઘરે સંતાયા હતા’. ટોળાઓ લોકોની ચીચીયારીઓ વચ્ચે ઘરોમાં આગ લગાડવા લાગ્યા હતા. અમને એમ હતું કે, જાફરી સાહેબના ઘરે જઇશું તો બચી જઇશું. એટલે તેમના ઘરે બધા ભેગા થવા લાગ્યા હતા. પણ તે સમયે પાછળની તરફથી દિવાલ કુદીને ટોળું જાફરી સાહેબના ઘરમાં ઘુસ્યું. ત્યારે હું બાથરૂમમાં હતો. આ સમયે એક વ્યક્તિએ મને બાથરૂમમાં જોયો એમ કહીં બાથરૂમ પર તલવાર મારવા લાગ્યો હતો. તલવાર મને દેખાતી હતી પણ કોઇ વ્યક્તિ દેખાતો ન હતો. જેથી નજીકમાં એક પાઇપ હતી તે મેં તલવાર પર મારી તો તે વ્યક્તિ બુમો પાડતો પાડતો બહાર ભાગ્યો હતો.

‘પરિવારની લાશો ને લોહીના ખાબોચીયા ભરાયા હતા’. બાથરૂમમાંથી બહાર નીકળ્યા બાદ જોયું તો મારા પરિવારના લોકોની લાશો ત્યાં પડી હતી. તેમના લોહીના ખાબોચીયા ભરાયા હતા. થોડીવારમાં આગ લાગવા લાગી હતી. સાંજના 4 વાગવા આવ્યાં, ટોળા ઓછા થવાની જગ્યાએ વધારે બુમો પડવા લાગ્યાં હતા. ત્યારે પોલીસ અધિકારીઓ ત્યાં પહોચ્યા હતા. અમને પુછ્યું તમારે ક્યાં જવુ છે, અમને ત્યાંથી રેફ્યુજી કેમ્પમાં લઇ ગયા હતા.

admin

Leave a Reply

Your email address will not be published.