ચીનમાં 1 દર્દીથી 18 લોકો સંક્રમિત થાય છે:આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક મ્યૂટેશન, દર્દીઓ ડોક્ટર્સની પાસે મદદની ભીખ માગી રહ્યા છે

ચીનમાં 1 દર્દીથી 18 લોકો સંક્રમિત થાય છે:આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક મ્યૂટેશન, દર્દીઓ ડોક્ટર્સની પાસે મદદની ભીખ માગી રહ્યા છે

ચીનમાં કોરોના સંક્રમણની સ્થિતિ વર્ષ 2020ની યાદ અપાવી રહી છે. અત્યારે સ્થિતિ એટલી ખરાબ છે કે અહીંની હોસ્પિટલોમાં તમામ પથારીઓ ભરાઈ ગઈ છે. મેડિકલ સ્ટોર્સમાં દવાઓ ખતમ થઈ રહી છે. દર્દીઓ સારવાર માટે ડૉક્ટર્સની સામે ભીખ માગતા જોઈ શકાય છે.

બીજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમસંસ્કાર કરવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે એનું કારણ ચીનમાં ફેલાઈ રહેલું નવું વેરિયન્ટ હોઈ શકે છે. એનું નામ BA.5.2.1.7 છે. વૈજ્ઞાનિકો એને BF.7 પણ કહી રહ્યા છે. ચીનમાં ઝીરો-કોવિડ પોલિસી સમાપ્ત થયા પછી કોરોનાના કેસમાં અચાનક વધારો થવાનું કારણ આ નવા વેરિયન્ટને કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક મ્યૂટેશન છે.

ચીનની હોસ્પિટલોમાં બેડની અછત છે. દર્દીઓને જમીન પર સારવાર આપવામાં આવી રહી
હોસ્પિટલોમાં દરેક જગ્યાએ મૃતદેહો જોવા મળે છે. ઘણી જગ્યાએ તો મૃતદેહોના ઢગલા જોવા મળે છે.

વિશ્વમાં 7 દિવસમાં 35 લાખ કોરોના કેસ સામે આવ્યા
Worldometers.infoના ડેટા પ્રમાણે, દુનિયામાં એક સપ્તાહમાં કોરોનાના 34 લાખ 84 હજાર કેસ નોંધાયા છે, જેમાંથી 9 હજાર 928 લોકોનાં મોત થયાં છે. ચીનમાં 7 દિવસમાં 15 હજાર 548 કેસ અને 7 લોકોનાં મોત થયાં છે. જોકે નિષ્ણાતોને શંકા છે કે સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે. દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.

જાપાન, સાઉથ કોરિયા અને ફ્રાન્સમાં એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ દેશોમાં દર્દીઓની સંખ્યા અનુક્રમે 10 લાખ 65 હજાર, 4 લાખ 61 હજાર અને 3 લાખ 58 હજાર છે. ભારતમાં 7 દિવસમાં 1,081 કેસ નોંધાયા છે.

દુનિયાની 12% વસતિ ચીનમાં છે. આમાંથી 60% લોકો 3 મહિનામાં કોરોના સંક્રમિત થઈ શકે છે.

3 પોઇન્ટ્સમાં જાણો BF.7 વેરિયન્ટ કેટલું જોખમી છે…

1. BF.7 એ ઓમિક્રોનનું સૌથી શક્તિશાળી વેરિયન્ટ છે
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનમાં ફેલાતો BF.7 ઓમિક્રોનનો સૌથી શક્તિશાળી વેરિયન્ટ છે. આ વેરિયન્ટ અગાઉ કોરોનાની ચપેટમાં આવી ગયેલા લોકોને, ફુલી વેક્સિનેટેડ લોકોને અને આ બન્ને પ્રકારના લોકોને ચેપ પહોંચાડી શકે છે. એ ઝડપથી ટ્રાન્સફર થાય છે અને લક્ષણો પણ જૂના કોરોના પ્રકારો કરતાં વહેલા દેખાવા લાગે છે.

2. એક દર્દી 18 લોકોને ચેપ લગાવી શકે છે
BF.7 નો રિપ્રોડક્શન નંબર (RO) 10-18.6 છે. આનો અર્થ એ છે કે એનાથી ચેપગ્રસ્ત દર્દી એક સમયે સરેરાશ 10થી 18.6 લોકોને ચેપ લગાવવામાં સક્ષમ છે. ઓમિક્રોન વેરિયન્ટનો સરેરાશ RO સામાન્ય રીતે 5.08 જોવા મળ્યો હતો. કદાચ આ જ કારણ છે કે ચીનમાં કોરોનાના કેસ દિવસમાં નહીં, પરંતુ કલાકોમાં બમણા થઈ રહ્યા છે.

3. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ખૂબ જ ઘાતક
BF.7નાં લક્ષણોમાં શરદી-, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, ઊલટી અને ઝાડાનો સમાવેશ થાય છે. એ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચીનમાં કડક પ્રતિબંધોનું પાલન કરવામાં આવતું હોવાથી લોકો વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શક્યા નથી.

ચીનમાં ઝીરો-કોવિડ પોલિસીના અંત પછી કોરોનાએ જોર પકડ્યું છે.
ચીન માટે હેલ્થ એક્સપર્ટ્સની 3 ચેતવણી…

1. ચીન 90 દિવસમાં 60% સંક્રમિત થઈ જશે
અમેરિકન વૈજ્ઞાનિક અને મહામારીના એક્સપર્ટ એરિક ફિગેલ-ડિંગે કોરોના પર મોટી ચેતવણી આપતાં કહ્યું હતું કે ’90 દિવસમાં ચીનની 60% વસતિ અને વિશ્વના 10% લોકો કોરોનાથી સંક્રમિત થઈ જશે. લગભગ 10 લાખ લોકોનાં મોતની આશંકા છે.’

તો અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHMI)એ અનુમાન લગાવ્યું છે કે એપ્રિલની શરૂઆતમાં ચીનમાં કોરોના કેસો પીક પર આવશે. ત્યાં સુધીમાં મૃત્યુઆંક 3 લાખ 22 હજાર સુધી પહોંચવાની આશંકા છે.

2. રજાઓને કારણે જાન્યુઆરીમાં બીજી લહેર આવશે
મહામારીના એક્સપર્ટ વુ જુન્યુના જણાવ્યા પ્રમાણે, ત્રણ સંભવિત લહેરમાંથી પહેલી લહેર ચીનમાં હાલમાં ચાલી રહી છે. આ પછી બીજી લહેર જાન્યુઆરીના મધ્યમાં આવશે. હાલમાં દેશમાં એક અઠવાડિયાની લૂનર યરની ઉજવણી ચાલે છે, જેને કારણે દેશમાં લાખો લોકો આવે છે અને જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

ત્રીજી લહેર ફેબ્રુઆરીના અંતથી માર્ચની વચ્ચે આવી શકે છે. આ સમયે બધા લોકો તેમની રજાઓને ધ્યાનમાં રાખીને પાછા ફરે છે. આવી સ્થિતિમાં વધુ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે.

3. ચીનમાં રસીકરણ માત્ર 38% છે, વૃદ્ધોમાં માત્ર 10% છે
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર અને ઈન્ટરનેશનલ હેલ્થ એડવાઈઝર ડો. રામશંકર ઉપાધ્યાયે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચીનમાં અત્યારસુધીમાં માત્ર 38% રસીકરણ થયું છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એ માત્ર 10% છે. ઝીરો કોવિડ પોલિસીનેના કારણે લોકોમાં કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ પણ વિકસિત થઈ નથી. આવી સ્થિતિમાં લોકો એકસાથે બહાર આવવાને કારણે, ત્યાં કોરોના વિસ્ફોટ થવાની સંભાવના હતી. જોકે ચીન દાવો કરે છે કે તેની 90% વસતિ ફુલી વેક્સિનેટેડ છે.

ચીનમાં રસીકરણની ઝડપ ધીમી છે. લોકોને રસી પર બિલકુલ વિશ્વાસ નથી.
ચીનમાં રસીકરણની ઝડપ ધીમી છે. લોકોને રસી પર બિલકુલ વિશ્વાસ નથી.
ચીનની હાલત જોતાં ભારત, અમેરિકા પણ એલર્ટ મોડમાં
ચીનની હાલત જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ પર વરિષ્ઠ અધિકારીઓ અને એક્સપર્ટ્સ સાથે બેઠક કરશે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે મંગળવારે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના બધા જ પોઝિટિવ સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલજો, જેથી કોરોનાના વેરિયન્ટ વિશે ખબર પડી જાય.

તો સોમવારે US સ્ટેટ ડિપાર્ટમેન્ટના સ્પોક્સપર્સન નેડ પ્રાઇસે પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ચીનમાં કોરોનાના વધતા કેસનું કારણ નવું મ્યૂટેશન છે. તેમને શંકા છે કે ચીન સરકાર કોરોનાના કેસો અને મોતના સાચા આંકડાઓ છુપાવી રહી છે. ત્યારે આ બાબત આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે.

ભારતમાં ખતરો નથી, કારણ કે વેક્સિનેશનના 3 રાઉન્ડ થઈ ગયા છે
શું ભારતને ખતરો છે? આ સવાલ પર ડૉ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારતને આનાથી ખતરો નથી, કારણ કે આપણા દેશમાં વેક્સિનેશનના 3 રાઉન્ડ થઈ ગયા છે. લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે. કોરોનો ભારતમાં આવી શકે છે, પરંતુ એ કંઈ ખાસ ગંભીર અસર કરી શકશે નહિ. હવે ભારતમાં કોરોનાનો કોઈ જ ખતરો નથી.

ચીનમાં વિરોધ પછી પ્રતિબંધો હટાવાયા હતા

ગયા મહિને ચીનમાં લોકોએ કોરોના પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, ત્યાર બાદ સરકારે નિયમોમાં રાહત આપી હતી.
ગયા મહિને ચીનમાં લોકોએ કોરોના પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, ત્યાર બાદ સરકારે નિયમોમાં રાહત આપી હતી.
ચીનમાં ગયા મહિને લોકો ઝીરો કોવિડ પોલિસી સામે રસ્તા પર ઊતરી આવ્યા હતા. બીજિંગમાં શરૂ થયેલાં પ્રદર્શનો 13થી વધુ શહેરોમાં ફેલાઈ ગયાં હતાં. તેમને રોકવા માટે પોલીસ લાઠીચાર્જથી માંડીને લોકોની ધરપકડ સુધી બધું જ કરી રહી હતી.

અઠવાડિયાના વિરોધ પછી સરકારે બે અઠવાડિયાં પહેલાં કોવિડ પ્રતિબંધોને હળવા કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં લોકોને ડર હતો કે ચેપ વધુ ઝડપથી ફેલાશે, જેને કારણે તેઓ મોટી સંખ્યામાં દવાઓ ખરીદીને ઘરે રાખતા હતા. આમાંના મોટા ભાગના લોકોએ રસીકરણ કરાવ્યું નહોતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *